Saturday, 25 September 2021

જીવનદાન......

 જીવનદાન......


પ્રણવી માંકડ અને પ્રહર્શ શાહ......આ બે નામ વડોદરા ની મ. સ. યુનિવર્સિટી મા ખૂબ જ આદર થી લેવાતા નામ હતાં. બી. કોમ. ના છેલ્લા વર્ષ મા અભ્યાસ કરતી આ પારેવા સમાન બેલડી આમ તો ધોરણ ૯ થી સાથે નિશાળ મા હતી અને પછી ધીરે ધીરે તેમની મિત્રતા એક ઓર પગથિયું ચડી ને પ્રણય ના પગથિયે પગરણ માંડી ચૂક્યું હતું. જીવન ના આ પ્રવાસ ને વધુ સુખમય બનાવવા ના એક બીજા ને કૉલ અપાઈ ચૂક્યા હતા. પ્રણવી અને પ્રહર્શ, બન્ને ખૂબ જ સમજુ અને પરિપકવ હોવા ઉપરાંત કુટુંબ પ્રેમી પણ હતા એટલે નક્કી એવું થયું હતું કે કૉલેજ નું છેલ્લું વર્ષ પુરું થાય એટલે પોતપોતાના ઘરે તેમના સંબંધો ની જાણ કરી દેવી અને પછી આગળ નો અભ્યાસ શરૂ કરી અને તેને પૂર્ણ કરી અને કારકિર્દી રૂપે ઠરીઠામ થયા પછી લગ્નગ્રંથિથી જોડાવું. બસ....આવા હતા તેમના વિચારો અને આ વિચારો અને આશા ને સહારે આવનારી ખુશહાલ જિંદગી ના મધુર સપનાઓ મા વિહરતા આ બન્ને પારેવા ની જોડી આવનારી મધ્યસ્ત પરીક્ષાઓ ની તૈયારી મા લાગી ચૂકી હતી.


પરિક્ષા પૂર્ણ થઈ ચૂકી હતી. હવે છેલ્લા ૬ મહિના બાકી રહ્યા હતા કૉલેજ જીવન પૂરા થવા મા. એવામાં વાર્ષિક મેળાવડા ની જાહેરાત થઈ અને ભાગ લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ પોતાનું નામ નોંધાવવા લાગ્યા. રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે નાટક, નૃત્ય, સંગીત અને વ્રકતુત્વ સ્પર્ધાઓ યોજાવાની હતી. પ્રણવી અને પ્રહર્શ એ પણ પોતાનું નામ નોંધાવી દીધું હતું. પ્રણવી એ પોતાનું નામ નૃત્ય સ્પર્ધા મા અને પ્રહર્શ એ પોતાનું નામ સંગીત સ્પર્ધા મા નોંધાવી દીધું હતું. એક આખું અઠવાડિયું આ વાર્ષિક કાર્યક્રમો ચાલવાના હતા. આખી કૉલેજ જાણે કે એક નવોઢા ની માફક શણગારી હતી. ડી. એન. હૉલ ગ્રાઉન્ડ ઉપર રમત ગમતો અને ચં.ચી. મહેતા ઓડીટોરિયમ મા નાટક, નૃત્ય, ગીત સંગીત અને વ્રકતુત્વ સ્પર્ધાઓ યોજાવાની હતી. અને ધારણા પ્રમાણે પ્રણવી અને પ્રહર્શ, બન્ને એ પોતપોતાની સ્પર્ધાઓ મા બાજી મારી અને પ્રથમ પારિતોષિક મેળવ્યું. પરિણામ ની જાહેરાત થઈ ત્યારે આખું ઓડીટોરિયમ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યું હતું. અધ્યાપકો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સહ વિદ્યાર્થીઓ, સહુ કોઈ પ્રણવી અને પ્રહર્શ ઉપર અભિનંદન ની અભિવર્ષા કરી રહ્યા હતા. પ્રણવી અને પ્રહર્શ પણ સસ્મિત દરેક નું અભિવાદન ઝીલી રહ્યા હતા. અને આમ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થઈ. સહુ કોઈ વિખેરાવા લાગ્યા. રાત ના ૯ નો સુમાર હશે. પ્રહર્શ અને પ્રણવી પણ પાર્કિંગ મા મૂકેલા તેમના વાહનો તરફ હળવે હળવે ચાલી રહ્યા હતા. બન્ને ની નજર જમીન સરસી હતી....પ્રણવી ની અનામિકા (ટચલી આંગળી) પ્રહર્શ ની અનામિકા ને આંટી વાળી ને તેમના પ્રગાઢ સંબંધો ની સાક્ષી પૂરી રહી હતી. શ્વેત રંગ ના સલવાર કમીઝ મા પ્રણવી એક આસમાની પરી થી પણ વિશેષ લાગતી હતી, જ્યારે પ્રહર્શ પણ કઈં ઓછો ઉતારે એવો નહોતો.....આસમાની રંગ નો ઝભ્ભો અને શ્વેત રંગ નો ચોરણો ધારણ કરી ને તે પણ કોઈ સ્વર્ગ ના ગાંધર્વ જેવો લાગતો હતો. બન્ને જણ પાર્કિંગ ક્ષેત્ર મા આવી પહોંચ્યા હતા. વાતાવરણ મા અપાર શાંતિ છવાયેલી હતી....ક્યાંક ક્યાંક કોઈ તમરાઓ નો અવાજ આ નીરવતા નો ભંગ કરી રહ્યો હતો. વાતાવરણ મા રાત ની ઠંડક અને તેમાં જ પ્રસરેલા પ્રહર્શ અને પ્રણવી ના પ્રેમ નો ગરમાટ વાતાવરણ ને વધુ હૂંફાળું બનાવી રહ્યું હતું......અને પ્રહર્શ એ તેના શબ્દો છેડ્યા....."પ્રણું, હવે ૨-૩ મહિના મા જ આ છેલ્લું સત્ર પણ પૂર્ણ થશે, મને લાગે છે કે આપણે હવે ધીરે ધીરે આપણા ઘરે જાણ કરી દેવી જોઈએ...અને આ જ વખત છે, તને શું લાગે છે?" પ્રહર્શ એ પ્રણવી ઉપર પ્રશ્ન છોડ્યો.......પ્રત્યુત્તર મા પ્રણવી "પાશુ....તારી વાત સાચી છે....હું પણ એજ વિચાર મા હતી કે હવે આગળ કેવી રીતે ધપવું? તને તો ખબર જ છે કે અમારું કુટુંબ થોડું રૂઢિચુસ્ત છે, તદુપરાંત અમે નાગર છીએ એટલે થોડું વધારે, પણ વાત તો કરવી જ પડશે...હું વિચારી રહી છું કે કેવી રીતે મારે વાત મારા મમ્મી પપ્પા સમક્ષ મૂકવી". પ્રહર્શ એ ઊંડો શ્વાસ ખેંચ્યો અને...."પ્રણુ, બધું સારું જ થશે....મારું મન કહે છે કે કોઈ જ વાંધો નહીં આવે.... આપણો પ્રેમ એકદમ પવિત્ર અને નિસ્વાર્થ છે....ઈશ્વર પણ આપણી સાથે છે.....પ્રણુ, સાચું કહું તું મારા કણ કણ મા છે....મારા હૃદય મા ધબકી રહી છે...તારા વગર ની જિંદગી ની હું કલ્પના પણ નથી કરી શકતો"....પ્રહર્શ એ પોતાનું હૃદય ઠાલવી દીધું પ્રણવી સમક્ષ...પ્રણવી એ પ્રહર્શ ની હથેળી ને હૃદયસરસી ચાંપી ને....."પાશુ, તું પણ મારા દરેક શ્વાસ મા સમાયેલો છે....મારા હૃદય નો શ્વાસ છે તું......તારા વિચારો થી જ મારું હૃદય ધબકી રહ્યું છે" એકમેક ને હૈયાધારણ આપી, બન્ને પોતપોતાના વાહનો ઉપર સવાર થઈ ને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા. રાત નો વખત હતો એટલે પ્રહર્શ પ્રણવી ની સાથે તેના ઘર થી થોડો આઘે સુધી મૂકી ને પરત પોતાના ઘર તરફ વળ્યો. અને આમ દિવસ પૂરો થયો.


પ્રણવી ના ઘર ના દીવાનખંડ મા ભારપૂર્વક શાંતિ છવાયેલી હતી. પ્રણવી ના પિતા જયદીપ ભાઈ અને માતા જયગુણા બેન એકદમ ગંભીર મુખવટો ધારણ કરી ને બેઠા હતા. પ્રણવી પોતાની વાત મૂકી ચૂકી હતી, જે કદાચ જયદીપ ભાઈ અને જયગુણા બેન ના ગળે નહોતી ઉતરી. જયદીપ ભાઈ એ પોતાનો અસંમતિ નો સુર છેડ્યો..."જો બેટા, તું કહે છે તે બધી વાત સાચી પણ આ શક્ય નથી.... આપણા કુટુંબ મા પહેલાં કોઈ વખત આવું થયું નથી, તું અમારી એક ની એક દિકરી છો એટલે જ તેને પ્રેમ થી સમજાવીએ છીએ કે અહીં થી તું પાછી ફરી જા.... આપણે નાગર અને એ લોકો વાણિયા, ભલે બીજા કુટુંબો મા આવું થતું હશે પણ મારા કુટુંબ મા આવું થાય તે મને અને તારી મમ્મી ને મંજુર નથી. તારા માગા આવવા લાગ્યા છે અને એક એક થી ચડિયાતા છોકરા અને કુટુંબ મા થી..... અમને લાગે છે કે તારે પ્રહર્શ ને હકીકત ની જાણ કરી દેવી જોઈએ.....તું ના કહી શકતી હોય તો આ કામ પણ હું કરવા તૈયાર છું.....અમારે બીજું કઈં કહેવું નથી"....આટલું કહી ની જયદીપ ભાઈ સોફા ઉપર થી ઉભા થયા.... જયગુણા બેન પણ તેમના પતિ ના ઉચ્ચારેલા વિધાન ને મુક સંમતિ આપતા હોય તેમ એ પણ ઉભા થયા અને ત્યાંથી બન્ને જણા પોતાના શયનખંડ મા જતા રહ્યા. પ્રણવી જડ ચેતન ની અવસ્થા મા બેસી રહી હતી.....આટલા વર્ષો નો પ્રહર્શ સાથે ના સંબંધ એક ચિત્રપટ ની માફક તેની નજર સમક્ષ ઉપસી આવ્યા. અને એ ચિત્રપટ ને વહેવા માટે વેગ આપી રહ્યા હતા તેના અશ્રુઓ. લગભગ કલાક એક જેટલું બેસી રહી પ્રણવી. તે દરમિયાન જયદીપ ભાઈ કોઈક કામ અર્થે ઘર ની બહાર પ્રણવી તરફ એક અછડતી નજર કરી ને નીકળી ગયા હતા અને જયગુણા બેન પણ રસોડા મા રોજિંદા કાર્યો મા વ્યસ્ત થઈ ગયા. ખૂબ ભારે પગલે પ્રણવી ઊભી થઈ ને કૉલેજ જવા નીકળી....આજે વાહન ચલાવતી વખતે તેના મન મા ઘમાસાણ મચી ગયું હતું....તેને સૂઝતું નહોતું કે પ્રહર્શ ને કેવી રીતે જાણ કરશે કે જે સપનાઓ નું પ્રેમ રૂપી લાગણીઓ થી સિંચન કર્યું હતું તે ક્યારીઓ અચાનક સુકાઈ ગઈ હતી. વિચારો મા અને વિચારો મા ક્યારે કૉલેજ આવી ગઈ તે ખબર જ ના પડી. પોતાનું એક્ટિવા પાર્કિંગ મા મૂકી ને ધીરે પગલે તેના કક્ષ તરફ ચાલવા લાગી, અને ત્યાંજ પાછળ થી પ્રહર્શ....."પ્રણુ, ઊભી રહે...હું આવી જ ગયો છું..... પિરિયડ પૂરો થાય એટલે કેનટીન મા જઈશું.....એક સરસ વાત કરવાની છે...અત્યારે મોડું થાય છે....ચાલ જલ્દી". પ્રણવી કોઈ જ પ્રતિભાવ ના આપી શકી, જે કદાચ પ્રહર્શ ની પણ જાણ મા નહોતું આવ્યું. પિરિયડ પૂરો થયો. પ્રણવી અને પ્રહર્શ કેનટીન મા આવ્યા...."તું કઈં ખાઈશ, પ્રણુ?" પ્રહર્શ ના પૂછવા ઉપર પ્રણવી એ ફક્ત નકાર મા ડોકું ધુણાવ્યું..આમ પણ તેને આજે કઈં ખાવા કે પીવા ની ઈચ્છા નહોતી.... એ તો એક કઠપૂતળી ની માફક વર્તી રહી હતી.....તેમ છતાં પ્રહર્શ એ બે ચા નો ઓર્ડર આપી દીધો......પ્રહર્શ આજે કંઇક વધુ ઉત્સાહ મા હોય તેમ જણાતું હતું....અને તેના આ ઉત્સાહ એ શબ્દો નું આવરણ ઓઢ્યું..."પ્રણુ, તું ધારી પણ નહીં શકે એવા સમાચાર તને આપવાનો છું....બોલ, શું હશે? તને ધારી ને કહેવા માટે ૨ મિનિટ નો સમય આપું છું" પણ આજે પ્રણવી તો ખુદ પોતાના મન થી અળગી હતી....ધારવા ની તો શક્તિ ક્યાં હતી આજે? "તું જ કહી દે ને પાશૂ...ધારવા માટે શું કામ સમય બગાડવો છે?" પ્રણવી ને આટલું બોલતાં બોલતાં હાંફ ચડી ગઈ હતી......."ok.... ચાલ, હું જ કહી દઉં....." પ્રહર્શ એ પોતાની વાત આગળ વધારી....."પ્રણુ, આપણા સંબંધો ઉપર એક મહોર લાગી ચૂકી છે......હા, પ્રણુ.... મારા મમ્મી પપ્પા ને આપણો સંબંધ મંજૂર છે અને આજે કૉલેજ પૂરી થયા પછી હું તને ઘરે મારા મમ્મી પપ્પા ને મળવા લઈ જઈશ......બોલ....છે ને જોરદાર સમાચાર.....તે નહોતું ધાર્યું ને?" પ્રણવી એકીટશે તેને જોઈ રહી.... મન માં વિચારી રહી હતી કે જે નથી ધાર્યું હોતું તે જ થતું હોય છે....હવે વારો હતો પ્રણવી નો....તેની જીભ ઉપર જાણે કે હજાર મણ નો પત્થર મૂકી દીધો હતો....કહેવું હતું પણ જીભ નહોતી ઉપડતી....હોઠ ફફડી રહ્યા હતા પણ શબ્દો ને પણ આજે ગ્રહણ લાગી ગયું હતું....તેમ છતાં માંડ માંડ સઘળી હિંમત એક્ઠી કરી ને પ્રણવી બોલી "પાશૂ, જો ધ્યાન થી સાંભળ.... મેં પણ મારા ઘરે આપણી વાત કરી...અને....." પ્રહર્શ એ તેને અધવચ્ચે થી જ અટકાવી અને "અને તારા મમ્મી પપ્પા પણ કબૂલ થઈ ગયા છે.....એમ જ કહેવા માગે છે ને, પ્રણુ? મને ખાતરી જ હતી કે બધું સારું જ થશે".....અને પ્રણવી નો સ્વર થોડો ઉંચો થયો "નથી કબૂલ થયા, પાશૂ.....નથી કબૂલ થયા...." પ્રણવી નો સ્વર એટલો ઊંચો હતો કે ત્યાં હાજર વિદ્યાર્થીઓ પણ તેમની તરફ જોવા લાગ્યા....થોડી ક્ષોભજનક સ્થિતિ મા મુકાઈ ગઈ પ્રણવી....પણ પ્રહર્શ માટે તો જાણે સમય રોકાઈ ગયો હતો....તે ફાટી આંખે પ્રણવી ને જોઈ રહ્યો....તેને વિશ્વાસ નહોતો બેસતો કે તે જે સાંભળી ચૂક્યો હતો તે પ્રણવી ના મોઢે થી કહેવાયેલું વાક્ય હતું......તેમ છતાં તે હાર માને તેવો નહોતો...."ના પ્રણુ, તું મજાક કરે છે......પણ આવી મજાક મહેરબાની કરી ને મારી સાથે ના કરીશ.....જો તો ખરી મારું હ્રુદય કેવું જોર જોર થી ધડકી રહ્યું છે....સાચું કહે શું કહ્યું તારા મમ્મી પપ્પા એ? એ લોકો પણ માની જ ગયા છે ને? બોલ પ્રણુ બોલ....હવે બહુ થઈ મજાક". પ્રહર્શ લગભગ બેબાકળો થઈ ગયો હતો.....અને હવે પ્રણવી ના શબ્દો ગોઠવાયા...."પાશૂ, મેં જે પણ કંઈ કહ્યું તે કમનસીબે સત્ય છે...મારા મમ્મી પપ્પા ને આપણો સંબંધ મંજૂર નથી...તને યાદ હોય તો મેં તને કહ્યું હતું કે અમારું કુટુંબ રૂઢિચુસ્ત છે અને એ રૂઢિચુસ્તતા નો ભોગ આજે આપણા સંબંધો બની ગયા" પ્રણવી ના અશ્રુઓ મારફત આજે તેમના સંબંધો પણ જાણે વહી રહ્યા હતા....બે માંથી એક પણ આજે આ વહી જતા સંબંધો ને પકડી શકવાની પરિસ્થિતિ મા નહોતા.....કદાચ આજે સંજોગો પણ તેમની વિરુદ્ધ હતા. વાતાવરણ મા શિથિલતા આવી ગઈ હતી. ટેબલ ઉપર પડેલા ચા ના ભરેલા કપ મા ઠંડી થઈ ગયેલી ચા ની માફક આજે પ્રણવી અને પ્રહર્શ નો સંબંધ પણ શિથિલ અને ઠંડો થઈ ચૂક્યો હતો.....સમજો કે મૃતપાય અવસ્થા મા આવી ગયો હતો. ૭ વર્ષ ના સંબંધ ના શ્વાસ આજે અચાનક અટકી ગયા હતા. અને સમય ની સાથે સાથે સંબંધ પણ વહી ચાલ્યો...ક્યાં, એ તો ખુદ પ્રણવી અને પ્રહર્શ પણ નહોતા જાણતા.......


સમય નો કાંટો કોઈ ની પણ શેહ શરમ રાખ્યા વગર ફરતો રહે છે.....નામ છે તેનો નાશ છે, પણ સમય એક એવો છે કે તે દીર્ઘાયુ છે.....તેનો અંત નથી.....કાળક્રમે પ્રણવી ના લગ્ન નાગર જ્ઞાતિ મા જ વ્યવસાયે વકીલ એવા સંભવ ઘારેખાન સાથે થઈ ગયા. ખૂબ જ સારું કુટુંબ હતું. સંભવ ના પિતા સિતાંશુ ઘારેખાન પણ એક નામી વકીલ હતા. આ બાજુ પ્રહર્શ પણ બેંગલોર સ્થાયી થઈ ગયો હતો. આધારભૂત સૂત્રો થી એવી બાતમી મળી હતી કે તેણે લગ્ન નહોતા કર્યા. કદાચ તે હજી પણ પ્રણવી સિવાય બીજા કોઈ વિશે વિચારી નહોતો શકતો. અને હવે તો પ્રણવી નો વસ્તાર પણ વધ્યો હતો તેને એક દીકરો હતો, વિવાન જે હજી ૨ વર્ષ નો જ હતો. આમ સમય ચક્ર અને સંસાર ચક્ર ચાલ્યે જતું હતું.


ઘડિયાળ મા કોઈ પણ સમય દિવસ મા બે વખત આવતો હોય છે.... દાખલા તરીકે ૧૨ નો સમય અત્યંત ઉજાસ ભર્યા વખત મા પણ હોય છે અને મધ્યરાત્રિ એટલે કે અંધકાર મા પણ હોય છે.....તેવું જ જીવન નું છે.......પ્રણવી ના જીવન મા પણ ઉજાસભર્યા દિવસ પછી રાત્રિ ના અંધકાર નો પગરવ થઈ ચૂક્યો હતો. છેલ્લા ઘણા વખત થી તેનો રક્તસ્રાવ ઉચ્ચ થઈ રહ્યો હતો (high blood pressure), જેને લીધે તેને ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.....થોડું ચાલતી ત્યાંજ હાંફી જતી હતી. શહેર ના એક નામી હૃદયરોગ ના નિષ્ણાંત પાસે તેને લઈ ગયા.....પ્રાથમિક તપાસ ના રિપોર્ટ ઉપર થી એવું સિધ્ધ થયું કે તેનું હૃદય ફક્ત ૨૫% જ કામ આપતું હતું, જે મહદઅંશે નાજુક પરિસ્થિતિ હતી. ડૉકટર એ બીજા બધા ટેસ્ટ પણ કરાવ્યા અને યોગ્ય ઇલાજ પણ શરૂ થઈ ગયો હતો, પણ કેમ કરી ને પણ સારવાર અને દવાઓ ને પ્રણવી યોગ્ય પ્રતિભાવ નહોતી આપી રહી. ડૉકટર પણ બધી જ કોશિશ કરી ચૂક્યા હતા....બીજા નિષ્ણાંતો ના અભિપ્રાય પણ લઈ જોયા હતા પણ દરેક નો એક જ સૂર હતો. દિવસે દિવસે પ્રણવી ની તબિયત કથળતી જતી હતી...હવે તો તે બોલે ત્યાં જ થાક લાગી જતો હતો.....તેને હોસ્પિટલ મા દાખલ કરી જ દીધી હતી. સંભવ સહિત કુટુંબ ના અન્ય સભ્યો પણ હોસ્પિટલ મા હાજર હતા. ત્યાંજ નર્સ આવી ને સંભવ ને તાકીદ કરી કે ડૉક્ટર તેને તેની ચેમ્બર મા બોલાવે છે. ચિંતાતુર વદને સંભવ ડૉક્ટર ની ચેમ્બર મા પ્રવેશ્યો. ડૉકટર ના મુખ ના હાવભાવ જોતા એમ લાગતું હતું કે તે પણ થોડા ચિંતા મા હતા....."આવો સંભવ ભાઈ, બેસો" ડૉક્ટર એ સંભવ ને બેસવા ની તાકીદ કરી....સંભવ ડૉક્ટર પાસે થી જ કંઇક સાંભળવાની અપેક્ષા સાથે તેમની સમક્ષ જોઈ રહ્યો....."સંભવ ભાઈ, as a doctor, I should not hide the medical condition of the patient with their family members....your wife's condition is very critical....she isn't responding to any of our treatment, which is quite serious....we have only one alternative left out and that's heart transplant. I have consulted other cardiologist and they have also opined the same.... સંભવ ભાઈ.... આપણી પાસે આજ વિકલ્પ રહ્યો છે, બાકી આપણે બધા જ પ્રયત્નો કરી જોયા પણ આપણને સફળતા નથી મળી" સંભવ માટે ડૉક્ટર નું આ કહેણ એક વજ્રઘાત જેવું હતું. પ્રણવી ને બચાવવી તે અત્યારે તેના જીવન નું ધ્યેય બની ગયું હતું....વિવાન પણ હજી ઘણો જ નાનો હતો. આમ જોવા જાવ તો તેની પાસે પણ આ સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો બચ્યો....."ડૉક્ટર સાહેબ, I got your concern, પણ heart transplant માટે તો કોઈ દાતા જોઈએ અને તે ક્યાંથી લાવવો? આ રક્તદાન નથી કે ૪ જણ ઉભા રહી જશે....આ તો હ્રુદય પ્રત્યારોપણ છે....કોઈક વ્યક્તિ નું હ્રુદય કાઢી ને બીજા વ્યક્તિ મા રોપણ કરવું....કેવી રીતે કરીશું?" સંભવ ના અવાજ મા ભારોભાર ચિંતા અને શંકા નો સુર આવતો હતો......ત્યાંજ ડૉક્ટર બોલ્યા....."સંભવ ભાઈ, તમારી સાથે વાત કર્યા પહેલા મેં મારી કોશિશ ચાલુ કરી દીધી છે....બાકી God is great". સંભવ ડૉક્ટર ની ચેમ્બર મા થી બહાર નીકળ્યો....બહાર તેના કુટુંબીજનો તેની રાહ જ જોતા હતા. દરેક ને સત્ય હકીકત જણાવી. હવે સંભવ ની સાથોસાથ બીજા બધા પણ ચિંતા મા ગરકાવ થઈ ગયા.


બીજે દિવસે સવારે લગભગ ૧૦ નો સુમાર હશે અને નર્સ સંભવ પાસે ઉતાવળ મા આવી ને કહ્યું કે ડૉક્ટર તેમને તાત્કાલિક બોલાવે છે. સંભવ લગભગ દોડતો જ ડૉક્ટર ની ચેમ્બર મા પ્રવેશ્યો....ડૉક્ટર તેમના મોબાઈલ ઉપર કોઈક સાથે વાતો કરી રહ્યા હતા. સંભવ ને વાર્તાલાપ ઉપરથી એવું લાગ્યું કે ડૉક્ટર તેના વિશે જ વાત કરી રહ્યા હતા. બે મિનિટ પછી ડૉક્ટર ની વાતો પૂરી થઈ અને...."સંભવ ભાઈ, કદાચ God is with us..... એક દાતા મળ્યો છે....બ્રેઇન હેમરેજ ને લીધે તે વ્યક્તિ is brain dead, પણ તેના પિતા ની ઈચ્છા એવી છે કે જો તેના હ્રુદય નું કોઈક જરૂરિયાત વ્યક્તિ મા પ્રત્યારોપણ થાય તો એના થી વિશેષ કંઇ જ નથી....મેં જરૂરી બધી વિગતો મંગાવી લીધી છે. તે વ્યક્તિ બેંગલોર ની એપોલો હોસ્પિટલ મા છે....I have already spoken to Apollo authorities and also civil aviation authorities to transfer the heart without any hurdles" ડૉક્ટર ના અવાજ મા આજે જુસ્સા નો રણકો વર્તાતો હતો. અને એ સાંભળી ને સંભવ ના જીવ મા પણ જીવ આવ્યો. જરૂરી બધી જ ઔપચારિકતા થઈ ગઈ હતી. એવું નક્કી થયું હતું કે બેંગલોર થી વિમાન માર્ગે એપોલો હોસ્પિટલ ના પ્રતિનિધિ એક બોક્સ મા હૃદય લઈ ને આવશે અમદાવાદ વિમાન મથકે અને ત્યાં એક એમ્બ્યુલન્સ ઊભી જ હશે જે ગ્રીન કોરિડોર મારફત તે બોક્સ લઈ ને અમદાવાદ ની ક્રિષ્ના હોસ્પિટલ આવશે....ત્યાં ડૉક્ટર ની એક ટુકડી ઓપરેશન થિયેટર મા તૈયાર જ હશે અને જેવું આ બોક્સ ત્યાં પહોંચશે એટલે તુર્તજ હ્રુદય પ્રત્યારોપણ ની પ્રક્રિયા શરૂ થઈ જશે. અને જે રીતે નક્કી થયું હતું તે રીતે જ બધું સમુસુતરું પાર પડ્યું. પ્રણવી ઉપર હૃદય પ્રત્યારોપણ ની શસ્ત્રક્રિયા સફળતા પૂર્વક કરવામાં આવી. થોડા દિવસો આઈ.સી. યુ. મા રહ્યા પછી પ્રણવી ને હોસ્પિટલ મા થી રજા આપવામાં આવી અને એમ્બ્યુલન્સ મારફત તે વડોદરા પરત આવી.



બે - ત્રણ મહિના પસાર થયા. પ્રણવી હવે બિલકુલ સ્વસ્થ હતી. તે હવે હરી ફરી શકતી હતી. તેને ખબર પાડવામાં આવી હતી કે તેના ઉપર હ્રુદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. તે તથા સંભવ એ વ્યક્તિ અને તેના કુટુંબીજનો નો મનોમન પાડ માની રહ્યા હતા. એક દિવસ સાંજે સંભવ તેની ઓફિસ થી આવી ને "પ્રણવી, કાલે આપણે બપોર ની ફ્લાઇટ મા બેંગલોર જઈ રહ્યા છીએ....જે વ્યક્તિ નું હ્રુદય પ્રત્યારોપણ કર્યું છે તેના પિતા ને મળવા જવાનું છે.....આજે તું જીવતી છે તે એ વ્યક્તિ ને આભારી છે..." પ્રણવી પણ આ ઈચ્છતી હતી કે એક વાર તે એ વ્યક્તિ ના કુટુંબીજનો ને મળી ને આભાર વ્યક્ત કરે. 


બીજા દિવસે વડોદરા થી ફ્લાઇટ મારફત બેંગલોર પહોંચ્યા અને સીધા આપેલા સરનામે સંભવ, પ્રણવી અને વિવાન પહોંચ્યા. એક ફ્લેટ ના દરવાજે આવી ને ડોરબેલ વગાડી....અડધી મિનિટ પછી બારણું ઊઘડ્યું અને સમક્ષ એક સહેજે ૬૫-૭૦ વર્ષ ના વૃદ્ધ ઉભા હતા....સંભવ ને ઘર મા આવકાર આપ્યો. તેની પાછળ પાછળ પ્રણવી અને વિવાન પણ અંદર પ્રવેશ્યા. પ્રાથમિક સરભરા થઈ. ઘર મા એક નોકર હતો જે ઘર નું બધું કામ જોતો હતો. પેલા વૃદ્ધ એકલા જ હતા, જેમનું નામ રણછોડ ભાઈ હતું. સંભવ અને પ્રણવી રણછોડ ભાઈ ને પગે લાગ્યા......અને પ્રણવી એ બોલવાની શરૂઆત કરી..."દાદા, આપનો કયા શબ્દો મા આભાર માનું તે મને સમજાતું નથી....આ મારી હવે ની જિંદગી આપને આભારી છે...આ મારો વિવાન નાની ઉંમર મા તેની માં નો પ્રેમ ખોઈ બેઠો હોત જો આ ના થયું હોત...દાદા, હવે તો એ મહાન દાતા હયાત નથી પણ તેની જો તસ્વીર હોય તો તેની સમક્ષ હાથ જોડી ને તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો છે" ...પ્રણવી ની આંખો વરસી રહી હતી. રણછોડ ભાઈ ઉભા થયા અને સંભવ અને પ્રણવી ને તેની પાછળ આવવાનો નિર્દેશ કર્યો....એક બીજા ઓરડા મા પ્રવેશી ને ત્યાં ની બત્તી ચાલુ કરી અને દિવાલ ઉપર જડેલી સુખડ ના હાર ચડાવેલી તસ્વીર તરફ આંગળી ચીંધી ને રણછોડ ભાઈ એ પ્રણવી સામે જોઈ ને કહ્યું...."આ છે મારો દીકરો" પ્રણવી ની નજર તસ્વીર ઉપર પડી અને..............જાણે તેના પગ નીચે થી ધરતી ખસી રહી હોય એવો ભાસ થયો....તેને તમ્મર આવતા આવતા રહી ગયા....વિસ્ફારિત નેત્રે તે તસ્વીર સમક્ષ જોઈ રહી......અશ્રુઓ ની ધારાઓ વેગ પકડી ને તેના ચહેરા ઉપર વહેવા લાગી....તેના અશ્રુઓ થી ઓરડા ની ફર્શ પણ ભીની થઇ ચુકી હતી......તે સુખડ ના હાર ની પાછળ પ્રહર્શ ની તસ્વીર હતી.....પ્રણવી ના હાથ હળવે હળવે નમસ્કાર ની મુદ્રા મા આવવા લાગ્યા.....હળવે હળવે તે તસ્વીર ની નજીક ગઈ....સજળ નેત્રે તસ્વીર ને તાકી રહી.....પ્રહર્શ નો સ્મિત ભર્યો ચહેરો તેને પણ તાકી રહ્યો હતો.....અને મનોમન પ્રણવી ના શબ્દો સર્યા....."પાશુ, તું સાચું જ કહેતો હતો.....તું મારા હૃદય મા ધબકી રહ્યો છે........તારો એક અંશ આજે મારી અંદર ધબકી રહ્યો છે..... આપણે એક રીતે ભેગા નહીં થઈ શક્યા પણ ઈશ્વરે બીજી રીતે આપણને ભેગા કરી દીધા......" અને પ્રણવી સડસડાટ તે ઓરડા ની બહાર નીકળી ગઈ.........કોઈક બીજી દુનિયા મા વિહરતો પ્રહર્શ પણ આજે ખુશ હતો.......જીવન નું શ્રેષ્ઠ દાન કર્યું હતું તેણે......


નિલાંગ

No comments:

Post a Comment

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...