Monday, 3 August 2020

બળેવિયા

સંસ્મરણ...

બળેવિયા
     બળેવ આવે એટલે મારો આનંદ બેવડાઈ જાય. રાખડી બાંધી વટ પાડવાની મજા અને બળેવિયા દોડે એ પ્રસંગને માણવાની લિજ્જતના કારણે મને બળેવ એટલે કે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ગમતો.
     બળેવના દિવસે વહેલી સવારે જાગી શકાય એટલે હું આગલી રાતે વહેલા સૂઇ જતો. સવારે કોઈ જગાડે એ પહેલાં જાગી જવાનું. ઝટપટ નાહીને સંઘરાના કપડા પહેરી હોંશે હોંશે રસિકકાકાની દુકાને ઉપડી જવાનું. બાપા મને પચાસ પૈસાની રાખડી લઇ આપતા. જે લઇને હું હરખભેર ઘેર જતો.
      ઘેર બહેન મને રાખડી બાંધી આપતી. જમણા હાથનાં કાંડામાં ગોળ, મોટી અને રંગબેરંગી વાદળીમાંથી બનેલી ઝગમગ થતાં ગોટા જેવી રાખડીને જોઈને મારું મન નાચી ઊઠતું. પછી લોટ માંગવા આવતા મંદિરના પૂજારી જદુકાકાની વાટ જોવાતી. રક્ષાબંધનના દિવસે તેઓ નાના ફૂમકાવાળી રંગીન દોરાની રાખડીઓનો આખો ગુચ્છો લઇને આવતા. ‘લોટ કરાવજો.....’ નો અવાજ સંભળાય કે તરત જ અમે જયાં હોઇએ ત્યાંથી દોડી આવતા. ‘હાલો સોકરાવ રાખડી બાંધી દવ’ કહેતા જદુકાકા અમને રાખડી બાંધી આપે એટલે માતા કુંતાએ અભિમન્યુને રાખડી બાંધી અભયદાન આપ્યાનો મને સાંભરી આવે. એ દિવસોમાં અમારા ગામમાં નવરાત્રિ ઉપર ‘અભેમાન સકરાવો’ (અભિમન્યુ ચક્રવ્યૂહ) નાટક ભજવાતું એ યાદ આવી જતું. અમને રાખડી બાંધ્યા પછી અભયદાન મળી ગયાનો પરમ સંતોષ થતો.             જદુકાકા બાને પાંચ-સાત રાખડીઓ આપતાં અને કહેતા, ‘આ લ્યો, બધે બાંધી દેજો.’ પછી એ રાખડીઓ હોંશે હોંશે ખાટલાની ઇસે, કમાડે અને પેટીએ બંધાતી.
     થોડીવારમાં શેરી ફૂલગુલાબી અવાજોથી જીવતી થઈ જતી. અમે સૌ મિત્રો પોતપોતાની રાખડીઓ એકબીજાને બતાવવા નીકળી પડતા. બાબુની રાખડી મારા કરતા કાયમ સારી હોવાથી મને થોડું ઓછું લાગતું. પણ પેથાકાકાની રાખડી કરતાં મારી રાખડી સારી હોય એટલે મન માની જતું. પછી તો સૌ રક્ષાબંધનના પર્વનો આનંદ મનાવવામાં લીન થઈ જતા. બેનને ભેટમાં કશુક આપી શકાય એવી ઉંમર ક્યાં હતી એ સમયે ? એટલે બેનને અમે સૌ આનંદ સિવાય કશું આપી ન શકતાં. આપેલા અને મેળવેલાં એ આનંદની અમે સાથે જ ઉજાણી કરતાં. બળેવના દિવસે સાંજની અમે ખૂબ આતુરતાથી રાહ જોતા.
  અમારા ઘરથી થોડે દૂર ચોક પડતો. ચોકથી પડતી ઊગમણી શેરીમાં થોડું ચાલતા અમારા ઘર સહિત પાંચ ઘરના ડેલા પડતા. ચાર વાગ્યા આસપાસ ઉગમણી શેરીની બધીજ સ્ત્રીઓ અમારા ડેલે આવી ચોક તરફ નજર નાંખેલી સ્થિતિમાં ઢુંગલામાં ગોઠવાઈ જતી. બીજી શેરીઓમાં પણ આવું જ થતું. આ ઢુંગલામાં અમારા મા-નાનીમા, રામમા, લાખીમા અને દૂધીમા તથા જમનામાની હાજરી અચૂક હોય. જમનામા એટલે કરશનભાભાના ઘરના. કોઈ લાંબી ડોકે તો કોઈ નેજવા માંડી ચોકને તાકી રહે. ‘પોર ચારેય ભાલ્યા કોરામોરા જ હતા. સરાવણ વળી થોડો ભીનો હતો તે એમાં વળી ઓણ વરસાદ થયો’ જમનામા ગત સાલનો વરતારો યાદ કરી કહેતાં એટલે બેઠેલાં બધાં  ફ્લેશબેકમાં ઉતરી જતાં.
      એટલીવારમાં જેરાભાભા કુંભારને ત્યાંથી ચાર બળેવિયા (છોકરા) હાથમાં એક-એક ભાલ્યો (પાણી ભરવાની માટીની મટકી) લઈને નીકળતા. સૌ એને તાકી રહેતા. છોકરા પણ અવર્ણનીય ઉમંગ સાથે ચોકમાં પહોંચતા. કરશનભાભા ચારેય ભાલ્યા ઉપર માટીના ઠીકરા વડે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો લખતાં ને કહેતા કે, ‘જાવ, બટા ! પાદરની કૂઈએથી માટલા ભરી આવો.' એટલે તરત જ માહોલમાં ગરમાવો આવી જતો. છોકરા હડી કાઢી પાદરની કૂઈએ જતા. ત્યાં પહેલેથી જ પાણી સીંચવા વાળો તૈયાર હોય એટલે એ ઝટપટ પાણી સીંચી ભાલ્યા ભરી આપે.બળેવિયા તરત ઉતાવળા પગે ભાલ્યા ખભે મૂકી ચોક ભણી રીતસર દોટ મૂકે.
      માટીના કોરા ભાલ્યા પાણી ભરાવાથી ધીમે ધીમે રીઝવા લાગે. અંદર રહેલું પાણી શોષાતા ભાલ્યાની બહારની બાજુએ ભેજ બાઝતો. ચોક આવે ત્યાં સુધીમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો લખેલ ભાલ્યા પૈકીના કોઇની બહારની સપાટી વધુ ભીંજાતી તો કોઇની ઓછી. કોઇની વળી સાવ ઓછી તો કોઇની વળી બિલકુલ નહીં.
     બળેવિયા આવતા દેખાય કે સૌની ઉત્કંઠા વધી જાય. કરશનભાભા, નાણ્યભાભા અને ભીમાભાભાની પેનલ પાસે પાણી ભરેલા ભાલ્યા રજૂ થાય. પછી ત્રણેયનું તીક્ષ્ણ ઓબ્ઝર્વેશનનો  શરૂ થાય. ગોળ કુંડાળામાં ગોઠવાયેલું ગામ પગની એડી પર ઊભું થઇ આ ઘટનાને નિહાળે.કોઇ વળી ટોળામાં ઊભેલાં બે જણની વચ્ચેથી માથુ કાઢી આંખો ખેંચીને જુએ. બાજુના ઓટલે બેઠેલા વૃદ્ધો ચલમ-બીડી ફૂંકતા ભર્યા નાળિયેર જેવી સ્થિતિનો ફોડ કયારે પડશે એની રાહ જુએ. એટલીવારમાં ત્રણેય નિરીક્ષકો ઊભા થાય. ‘એ સાંભળો...સાંભળો...’નો કરશનભાભાનો અવાજ પડઘાય કે તરત કિશનકાકા ઢોલ પર દાંડી પીટી સૌને શાંત રહેવા સંકેત કરે.જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય એ ક્ષણ આખરે  આવી પહોંચતી. કરશનભાભા મીનમેખ ન થઇ શકે એવી આગાહી  કરતા. ‘‘આવતા વર્ષે અહાડમાં ભરપૂર વરસાદ સે. સરાવણમાં હરવડા પડશે. ભાદરવામાં બે વરસાદ સે. આહોમાં ઓસો સે.’’ નાના બાળકો કરશનભાભા સામે અનિમેષ તાકી રહે.મોટેરા આવતા વર્ષે શું વાવવું એનું આયોજન આ આગાહીના આધારે કરવા માંડે. કરશનભાભા મોટા જાણતલ હોય એમ સૌ એની સામે મીટ માંડી રહે.
      થોડીવારમાં કિશનકાકા અને નાણ્યભાભા ભુવાની ભૂમિકા શરૂ થતી. ઢોલશસ્ત્રમાં પારંગતતાની સર્વ ઉપાધિઓ મેળવી લીધી હોય એવી નિપૂણતાથી કિશનકાકાનો ઢોલ વાગતો. કિશનકાકા એટલે અમારા ગામનો અમરો ઢોલી. ત્રણ ગામના તરભેટે પણ જેનો નાદ તાલબધ્ધ રીતે સંભળાય એવી મહારતના કારણે પંથકમાં કિશનકાકા ઢોલીનું બહુ મોટું નામ હતું.
     માડીને ઓતાર લાવવા બોલવા પડતા શબ્દો માટે કરશનભાભા કમાલના હતા. જોતજોતામાં ‘લે માડી, પટમાં આવ્ય’ના લલકાર થાય ને નાણ્યભાભા તથા ભીમાભાભા ધૂણવા માંડે. બંને ભુવાના ડેપ્યુટી જેવા ભોપાકાકા અને શામાદાદા પણ ધ્રુજારી અનુભવે. સાંકળો ખેંચાય. ખમા ! ખમા ! ના પડકારા થાય. સૌ ભુવાને પગે પડે રુડાં આશીર્વાદ દેવાય. શ્રીફળ, સાકરની પ્રસાદી વહેંચાય. અગરબતીનો ધૂપ થાય. વાતાવરણમાં અનેરો આનંદ છવાય.
       એટલામાં બળેવના પર્વનો ક્લાઇમેક્સ જેવો સીન ભજવવાની તૈયારીઓ વચ્ચે સવજીકાકા સૂતારની વટભેર એન્ટ્રી થાય. ખભે પ્રમાણમાં મોટી કહી શકાય એવી હળની પ્રતિકૃતિ હોય. લાકડામાંથી દિલ દઇને ગામ માટે મફત બનાવેલ આ હળ જીતવાનો અંતિમ કાર્યક્રમ આરંભ કરવાની સૂચના મળતા અબાલવૃધ્ધ મેલીના ખૂંટેથી છત્રી (ચબૂતરો) સુધીના રસ્તાની બંને બાજુ ઉત્સુકતાપૂર્વક ગોઠવાઇ જાય. બળેવિયા બનેલા ચાર છોકરાઓ ૩૦૦ ફૂટ દૂર ચબૂતરા બાજુના છેડે રનવે પર નક્કી કરેલા નિશાન પાસે દોડવા માટેની પોઝીશનમાં ગોઠવાઇ જાય. મેલીના ખૂંટા બાજુના છેડે કરશનભાભા હાથમાં હળ પકડી ઉભા રહે. તખ્તો ગોઠવાઇ જાય. મેદની મૂડમાં આવી જાય. લોકો હળિયું જીતવાની ક્ષણને હદયમાં  સંભારણા તરીકે સ્થાપિત કરવા રીતસર થનગની ઊઠે. ઓલમ્પિકની એથ્લેટ ઇવેન્ટમાં ભાગ લેતા હોય એ રીતે ચારેય બળેવિયા પોત પોતાના ટ્રેક પર ઇશારાની રાહ જોતા, હળ જીતી ગયા પછીની ક્ષણોના સપના જોતા દોડું-દોડું નહીં, પણ ઊડું ઊડું થઇ રહ્યા હોય એવી સ્થિતિમાં આવી જાય.
       આ બાજુ કિશનકાકાની દાંડી હોંકારાની રાહમાં ઢોલ પર ત્રાટકવા રીતસરની થનગનતી હોય એમ લાગે. દૂર ડેલીઓ પર મહિલાઓની નજર લાજ કાઢેલી, અર્ધ કાઢેલી કે નહીં કાઢેલી અવસ્થામાં ચોક ભણી મંડાય જાય. આકાશકમાં ઊડી રહેલા વાદળા પણ નાનકડા ગામનું નવલું નજરાણું જોવા ઘડીભર ઊભા રહી જાય. પવન પણ પોતાની ચંચળતા સંકેલીને આ વિરલ ઘટનાનો સાક્ષી બનવાં થંભી જાય.
      ‘‘એ બધા વયા આવો !’’ કરતા કરશનભાભા માથાના ફાળિયાની લીલી ઝંડી બતાવે કે ચારેય બળેવિયા પવનવેગી ઝડપે ટ્રેક ઘસી આવે. બે ટ્રાયલ પૂરી થાય પછી ફાઇનલ દોડનો આરંભ થાય. ‘‘વગાડ્ય...વગાડ્ય...’’. ના પડકારા થતા કિશનકાકા પોતાના ઢોલ સાથે       રમમાણ થઇ જાય. ‘‘ભાઇ ! ભાઇ !’’ થતા તો માહોલ ગાજી ઊઠે...
‘ગોકો જ જીતવાનો...’
‘‘ભરતાનું કામ નહીં’’
‘હળ તો બાવળી જ લઇ જવાનો...’ ના અંદાજ વચ્ચે શરતું લાગતા વાતાવરણ એની ચરમસીમાએ પહોંચી જાય...
      આખરે આખરી દોડનો તખ્તો તૈયાર થઇ જાય અને ‘એ વયા આવો...’ નો છેલ્લો હાંકોટો થાય કે જેમ સનનન...તીર છૂટે એમ બળેવિયા છૂટે... આંખના પલકારામાં આગળ-પાછળ થતા બળેવિયા, હોય એટલું જોર લગાવી વિજયધ્વજ લહેરાવવા માનો હડી જ કાઢે.
       સૌના ધબકતા હદય વચ્ચે આખરે રેસ પૂરી થતાં જ જીતેલો દોડવીર હાથમાં હળ લઇ ખુશીથી ઝૂમી ઊઠે... શાબાશી અને અભિનંદનોની વર્ષાથી વિજેતા ગદગદિત થાય.
       હરિફની ઇર્ષા અને કોઇકની મીઠી નજર વચ્ચે હીરોની અદામાં હળ સાથે ઘર તરફ રીતસર દોટ મૂકતા જીતેલા બળેવિયાને જોતા અબાલવૃધ્ધો રાજી થઈ ધીમાં પગલે વિખેરાવા લાગે. આંગળી અને ઢોલ બંને ફાટી જાય એ રીતે પૂરા ઉત્સાહ સાથે ઢોલ વગાડતા કિશનકાકાની છેલ્લી ડાંડી ઢોલ પર ધ્રબાંગ કરતી પડીને શાંત થાય અને અમારો બળેવનો ઉત્સવ પૂરો થાય.

Monday, 27 July 2020

Dr. Abdul Kalam

2014ના વર્ષની આ વાત છે. સૌભાગ્ય વેટ ગ્રાઇન્ડર દ્વારા સ્પોન્સર્ડ એક કાર્યક્રમમાં ડો.એ.પી.જે.અબ્દુલકલામ મુખ્ય મહેમાન તરીકે ગયા હતા. કંપની તરફથી ડો.કલામને એક  ગિફ્ટ આપવામાં આવી. ડો.કલામે વિનમ્રતા પૂર્વક ગિફ્ટનો અસ્વીકાર કર્યો. આયોજકોએ સ્પષ્ટતા કરી કે ગિફ્ટમાં બીજું કશું જ નથી માત્ર ગ્રાઇન્ડર છે અને ગિફ્ટ સ્વીકારવા આગ્રહ કર્યો.

ડો.કલામે આનાકાની કર્યા વગર ગિફ્ટ સ્વીકારી લીધી. ઘરે આવ્યા પછી પોતાને જે ગ્રાઇન્ડર ગિફ્ટમાં મળ્યું હતું તેની બજારમાં શુ કિંમત છે ? તે જાણવા માટે એક માણસને બજારમાં મોકલ્યો. પેલો માણસ કિંમત જાણી લાવ્યો એટલે ડો.કલામે સામાન્ય માણસને માર્કેટમાંથી એ ગ્રાઇન્ડર જેટલામાં મળે એટલી રકમનો (4850/- રૂપિયા)નો કંપનીના નામનો ચેક લખીને કંપનીને મોકલી આપ્યો.

ભારતના પૂર્વરાષ્ટ્રપતિએ પોતાની અંગત બચતમાંથી લખી આપેલો ચેક બેંકમાં ડિપોઝિટ કરવાની કંપનીની ઈચ્છા નહોતી એટલે સાચવીને મૂકી દીધો. એક મહિના જેવો સમય પસાર થયો. પોતાના બેન્ક ખાતામાંથી ચેકની રકમ ઉધારવામાં આવી નથી એ જાણ્યું એટલે ડો.કલામે પોતાના સ્ટાફને સૂચના આપી કે એમને કહી દો કે ચેક ડિપોઝિટ કરી દે અને જો એમ ન કરે તો એનું ગ્રાઇન્ડર રિટર્ન કરી દો.

કંપનીએ ચેકની સ્કેન કોપી કરાવી અને ફ્રેમમાં મઢાવીને ઓફિસમાં રાખી અને ઓરીજનલ ચેક બેંકમાં ડિપોઝિટ કર્યો. (ચેકનો ફોટો જુઓ)

નખ-શીખ પ્રામાણિક અને પવિત્ર મહામાનવ ડો.કલામ સાહેબને એમની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન.

I love you sir.

*~શૈલેશ સગપરિયા*

Wednesday, 8 July 2020

આ તો "મહેફીલ " છે દોસ્તો ની

આવ તો
"ઇન્કાર" નથી,
ન આવે તો
"ફરીયાદ" નથી

આ તો "મહેફીલ" છે
દોસ્તો ની
અને
"વિતેલા" દિવસો ની
"યાદ" છે.

આવ તો તારી
"મોજથી" આવજે
કોઇ કંકુ ચોખા થી
"સ્વાગત"નહી કરે

પણ હૈયાના "હેતથી"
તને "તૂં કારો" આપીને
તુ જેવો છો તેવો
"સ્વીકાર" જરૂર કરીશું

તુ આવશે તો "જરૂર"
થી "ગમશે"
તુ નહી આવે તો "યાદ"
જરૂર થી "આવશે"

"આ તો" મહેફીલ છે
દોસ્તો ની....
અને વિતેલા દિવસોની
યાદ છે.

તું આવ તો "એકલો"
આવજે
તારા "મોભાને" મુકીને
આવજે

કારણ કે આ
"મહેફીલ"તો તને
તું કારા થી
ઓળખનારા
"મીત્રોની" છે

એટલે જ કહુ છુ
"દોસ્ત"
તું "તું" થઇને આવજે

આ તો "મહેફીલ" છે
દોસ્તોની
અને વિતેલા દિવસો
ની યાદ છે.

મળવાનુ "મન" થાય
તેવા  તારા
આ તો "લંગોટીયા"
મીત્રો છે

તારી "વેદનામા" ભાગ
પડાવશે
અને
તારા સુખમા ઉમેરો
કરશે..

તેવા "મીત્રોને મળવા"
માટે
ગમે તેવુ "કામ છોડીને"
પણ આવવુ જરૂર થી

આ તો "મહેફીલ" છે
દોસ્તોની
અને વિતેલા દિવસો
ની યાદ છે.

Wednesday, 24 June 2020

ચકલીનું બચ્ચુ

એકવાર ઘરનાં મુખ્ય વ્યકિતએ બધાને બોલાવી ખખડાવ્યા કે


"અહી અભરાઇ પર ચકલીનું બચ્ચુ કાલ સાંજ સુધી મે જીવતુ જોયુ અને આજે મરેલુ છે. કેમ ? "

બધા વિચારમાં પડી ગયા. કોઇએ એવુ કાંઇ કર્યું નહોતું .

છેવટે રહસ્ય બહાર આવ્યું.

દીદીએ કહયું કે બચ્ચુ ઇંડામાંથી બહાર નીકળવા પાંખો હલાવી કોશિશ કરતું હતું. મે ઇંડુ તોડી બહાર કાઢયું.

તો આ જ તેનાં મોતનું કારણ ....!

બચ્ચાને પાંખો ફફડાવવા દેવુ પડે, જેથી તેના શરીરમાંથી પ્રવાહી ઝરે અને તે હલકુ થાય અને પાંખો મજબુતાઇ પકડશે અને કોચલામાંથી બહાર નીકળી તે ઊડી શકશે. તમે મદદ કરી એટલે પાંખો ફફડાવ્યા વગરનું અપરીપકવ બચ્ચુ બહાર આવ્યુ ને મરી ગયું.

ઊડી શકવા પાંખો મજબૂત અને શરીર હલકુ અનિવાયઁ છે. 

કઇંક આવુ જ આપણા સૌનુ છે.

મોટે ભાગે માબાપ સંતાનોને સંઘર્ષથી દૂર રાખતા હોય છે.

સંતાનોને દરેક માબાપ બે વસ્તુ ભેટ આપે.

પરિશ્રમ અને સંઘર્ષ.

પાંખો ફફડાવવાની તક આપો.

આજે આપણે એવુ વિચારીએ કે આપણાં સંતાનને સહેજ પણ તકલીફ ન પડવી જોઇએ. યાદ રાખજો, આ વિચાર સંતાન માટે નુકશાનકારક છે .

સંતાન પછી કયાંથી શેકેલો પાપડ પણ ભાંગે !

*સુવિધાથી જ જો શિક્ષણ પ્રાપ્ત થતું હોત તો ઋષિમુની ઓ ના આશ્રમ જંગલમાં નહિ પરંતુ રાજાઓના મહેલમાં હોત...!!!!!*

Wednesday, 17 June 2020

44 - 66

શિક્ષક - તમારો બાબો ૧ થી ૧૦૦ એકડા બોલવાનું કવ તો ૪૫ પછી સીધું ૬૬ બોલે છે.


વાલી - મે ઈ ડોબા ને કેટલી વાર કહ્યું ૪૫ પછી ૪૬ ન આવે.

પણ.... 

જે વખત તમે શીખવાડતા હતા ત્યારે ૪૫ પછી નેટવર્ક વયું ગયું અને ફરી આવ્યું ત્યારે તમે ૬૬ પોહચી ગયા હતા. 

તો હવે એ કહે છે, મારા સાહેબ એ આમ જ શીખવાડ્યું છે. 

ઓનલાઇન માં તો ડખ્ખા વાળું છે ...હોં ...આમા તો આવુ રેવા નુ...!

RIP એટલે શું?

RIP એટલે શું ? ?

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો
ખુબજ ઉપયોગ કરે છે ...

What is Rest in Peace ( RIP ) ?

આજકાલ કોઈના નિધન પછી RIP લખવાની જાણે ફેશન ચાલી છે.

વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને.

RIP શબ્દનો અર્થ છે
Rest in Peace"
(શાંતિથી આરામ કરો)

આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય.

ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ
‘Judgement Day’
કે
"क़यामत का दिन"
આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે.

એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે.

પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે , ને શરીર નશ્વર છે.
એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે.

માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે.

એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે.

મિત્રો,
હિંદુ જીવાત્મા માટે
*‘શ્રદ્ધાંજલિ’*
or
‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’  અર્થાત મોક્ષ પ્રાપ્તિ
જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય.

ક્ષમા સહ.......

Monday, 15 June 2020

Were are you going

ક્યાં જઇ રહ્યા છો? આત્મહત્યા કરવા?
ના રે ના, તમે તો જઇ રહ્યા છો તમારા પર મુકેલા ભરોસાની હત્યા કરવા.

તમે જેને અંત માનો છો ને? એ તો આરંભ છે તમારા પરિવાર માટે રીબાઇ રીબાઇને મરવાનો.

પથ્થરોના ટુકડાઓમાંથી ચમક ઓછી થઇ ગઇ તો શું થયું?
તમારા બાળકની આંખમામ તો એવી ને એવી જ ચમક છે
– તમે ઘસી ઘસીને હીરા ચમકાવતા હતા ને? એવી જ.

રૂપિયાની ખનક સંભળાતી બંધ થઇ તો શું થયું?
તમારી દીકરીનો ટહૂકો હજી એવો ને એવો જ મીઠ્ઠો છે
– તમે જન્મદિવસ પર અપાવેલી ઝાંઝરીના રણકાર જેવો જ.

કાગળોમાં રોકેલો વિષ્વાસ પીળો પડી ગયો તો શું થયું?
તમારી પત્નીની આંખોમાં છલકાતો વિષ્વાસ હજુયે અકબંધ છે.
– વીંટીંમાં જડેલા સાચ્ચા મોતીની સફેદી જેવો જ.

કાલથી કામ પર નહીં આવતા, એવું ખેતરે કોઇને ય કહ્યાનું
તમને યાદ છે?
સાંજે થાકીને પાછા ફરેલા પંખીને ઝાડવાએ બેસવાની ના પાડી હોય,
એવું તમને યાદ છે?
તમારી દસ પેઢીમાંય કોઇએ આત્મહત્યા કરી હોય,
એવુ તમને યાદ છે?

ગાઢ અંધારૂ છે એ ય સાચું –
ઝાંખો પ્રકાશ છે એ ય સાચું.
પણ એથી કાંઇ આમ દાઝ કરીને ટમટમતા દીવાને થોડો ઓલવી નાખવાનો હોય?

આવે ટાણે જ તો સંકોરવાની હોય સમજણની શગને,
અને પુરવાનું હોય થોડીક ધીરજનું તેલ.
બાકી સવાર તો આવી જ સમજો…

Thursday, 28 May 2020

ટેરવેથી મળવાનું નહીં ફાવે

*અમે તો રહ્યાં હથેળીના માણહ,*
ટેરવેથી મળવાનું નહીં ફાવે.

*ભીની આંખે ભેટી લેશું,*
અમને સાવ ઠાલું મરકવું નહીં ફાવે.

*ખુલ્લા દિલે ખખડાવી દેશું,*
બાકી રૂસણાં -મનામણાં નહીં ફાવે.

*હકથી લેશું દુઃખડાં દોસ્તનાં,*
એમાં પાછળ રહેવાનું નહીં ફાવે.

*સાથે રહીને સુખ વહેંચશું,*
એક્લતાનું સ્વર્ગ સાલું નહીં ફાવે,

*મૈત્રીની મહેક સહજ ફેલાવશું,*
વચન -વાયદા નહીં ફાવે...!!!

🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇

ઝાપટુ આવ્યુ
અચાનક યાદનુ,

               ઠેઠ અંદર સુધી
                પલળી ગયો હું

વાદળની બુંદોએ તો
માટીને મહેકતી કરી દીધી,
            
             પણ દિલની યાદોએ તો
        પાં૫ણોને વહેતી કરી દીધી..

પુછશે ઘરે કે
કેમ પલળ્યા હતા?
કહીશુ, રસ્તામાં
ભાઇબંધ મળ્યાં હતા..

...વ્હાલા મિત્રોને અર્પણ.

Sunday, 3 May 2020

હમેશાં સારા બનો

               પૂનમ પછીના દિવસે એક ભિખારી એક સજ્જન શેઠની દુકાને ભીખ માગવા પહોચ્યો ! સજ્જન શેઠે ભિખારીને ૫ રૂપિયા આપ્યા | ભિખારીને તરસ લાગી હતી તેથી તેણે સજ્જન શેઠ પાસે પાણી માંગ્યું અને કહ્યું શેઠ ગળું સુકાય છે પાણી પીવડાવો અને સજ્જન શેઠે પિત્તો ગુમાવી કહ્યું તારા બાપના નોકર બેઠા છે તો અહીંયા પહેલા પૈસા પછી પાણી થોડી વાર પછી ખાવાનું માંગશે. નીકળ અહીંથી ભાગ !                        

ભિખારી બોલ્યો -  શેઠ ગુસ્સે ના થશો પાણી બીજે કયાંક પી લઈશ. પણ મને યાદ છે કે કાલે પૂનમના દિવસે તમારી દુકાન પાસે તમે શરબત ની સેવાનો કેમ્પ લગાવી બેઠા હતા અને તમે પોતે પ્રેમથી આગ્રહપૂર્વક લોકોને શરબત પીવડાવતા હતા મને પણ આપે બે ગ્લાસ શરબત પીવડાવ્યો હતો. તો મે વિચાર્યુ કે શેઠ બહું દયાળુ અને ધાર્મિક માણસ છે પણ આજે મારો એ ભ્રમ તુટી ગયો કાલે શરબતની પરબ લોકોને દેખાડવા માટે કરી હતી આજે મને કડવા વચન કહી તમે તમારું કાલનું પુણ્ય ખોઈ નાખ્યું. મને ક્ષમા કરજો કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો...                       

સજ્જન શેઠ ને લાગી આવ્યું અને ગઈકાલ નું દ્રશ્ય સામે તરવરવા લાગ્યું અને પોતાની ભૂલનો અહેસાસ થયો પોતે ગાદી પરથી ઉતરી પોતાના હાથે ગ્લાસ પાણી ભરી ભિખારીને પીવડાવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યા.                       

ભિખારી -- શેઠ મને કોઈ ફરીયાદ નથી પણ જો માનવતાને પોતાના મનની ઉંડાણમાં વસાવી ના શકીએ તો એક બે દિવસના પુણ્ય વ્યર્થ છે. માનવતાનો મતલબ હમેશાં સરળતાથી નિરાભિમાની બની જીવોની સેવા કરવી હોય છે. આપને આપની ભૂલનો અહેસાસ થયો તે તમારા અને તમારા સંતાનો માટે સારી વાત છે. આપનું અને આપના સંતાનોનું હમેશાં સ્વાસ્થ્ય સારું દીર્ધાયુ બની રહે તેવી મંગલકામના કરું છું.
કહી ભિખારી આગળ નીકળી ગયો.                                 

શેઠે તરત પોતાના પુત્રોને આદેશ કરી કહ્યું કાલથી બે મોટા ઘડા પાણી ભરીને દુકાન આગળ મુકવા જેથી આવવા જવા વાળાને પાણી પીવા મળે. શેઠને પોતાની ભૂલ સુધારવા માટે ખુશી થઈ રહી હતી.                               

ભાવાર્થ-- ફક્ત દેખાડો કરવા માટે કરવામાં આવતા દાનપુણ્યકર્મ નિષ્ફળ ગણાય છે. દરેક પ્રાણી માત્ર માટે તમારા મનમાં શુભકામના શુભભાવ હોય તો જ સાચું પુણ્ય મળે છે. પ્રસંગોપાત સારા બનો છો તેવા સદા બની રહો. હમેશાં સારા બનો તમને સારા જ મળશે.

Tuesday, 19 March 2019

ચોકીદાર

🌹ચોકીદાર 🌹

ચોકીદાર કેવો હોય તે ઇતિહાસના પાનાઓ પર સુવર્ણાક્ષરે અંકિત થયેલો પ્રસંગ જરૂરથી યાદ કરવો પડે... રાજાશાહીના સમયગાળામાં ભાવનગર સ્ટેટમાં " મુબારક " નામનો એક ચોકીદાર ની નોકરી કરતો હતો. મુબારકની ઈમાનદારી ઉપર ભાવનગરના પ્રજાવત્સલ્ય રાજવી ને એટલો ભરોસો કે નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓ પણ મુબારક પાસે જ રાખવાની.....
મુબારક પાસે જે રાજખજાનાની ચાવીઓ રહેતી એમાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા , મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો,
એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો , મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ... મહારાણી ને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં .... થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી, ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારક એ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું... ભાવનગર મહારાજા એ પણ મુબારકને કોઈ ઠબકો આપ્યા વગર જવા દીધો ... પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા " આણ " થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે " જો મેં ઈમાનદારી પૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણ માંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને " બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો....
કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે... " સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય " એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પેટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો.... તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો... રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે " મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો " સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયા ની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી ...
હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ " આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે " હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી " બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી ... ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી " ચોકીદાર " તરીકે નોકરીએ રહેવા સહમત થયો ... વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો .. મુબારક ની ઈમાનદારી - વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી ...
વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે " નિલમબાગ પેલેસનો ચોકીદાર " મુબારક " આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે ... મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા .. પોતાના સેવકોને આદેશ કર્યો કે " મુબારક " નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે...
મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજા એ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું  કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી... ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે " નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ " જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત ? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે " ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે " અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.
નીલમબાગના ચોકીદાર " મુબારક " નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજા એ એક ઈચ્છા વ્યક્ત કરી ને એ ઈચ્છા પુરી પણ કરી કે " મારા મુબારક ને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ " ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી... આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં " મુબારક " ની કબર છે અને  ભાવનગરના મહારાજા એ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે " ધ લોક ઓફ નિલમબાગ "

ચા ની કીટલી

કોઈ કારણ થી આજે  સ્ટાફ બસ રેગ્યુલર સમય થી મોડી આવવા ની હતી... ઠંડી નું વાદળીયું વાતવરણ...કોઈ હિલ સ્ટેશન ની યાદ અપાવતું હતું. મને આવું વાતવરણ...